‘વિશ્વ મેલેરીયા દિવસ’ નિમિતે – એક વિચાર…એક પહેલ

નમસ્કાર મિત્રો,

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૦૮થી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ (World Malaria Day) તરીકે મનાવવામાં આવે છે. તા.૨૫ એપ્રિલ ૨૦૦૦ના રોજ ૪૪ આફ્રીકન દેશોના વડાઓએ મેલેરીયાની નાબુદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રિલે આફ્રીકન મલેરીયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરૃ કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિવર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫થી કરવામાં આવે છે.

હાલ વશ્વમાં ૩.૩ અબજ લોકોને દર વર્ષે મલેરીયા રોગ થવાની સંભાવના રહેલ છે. વિશ્વની અર્ધા ભાગની વસ્તી મલેરીયા સંભવિત વિસ્તારમાં રહે છે. દર વર્ષે ૨૨ કરોડ જેટલા લોકો ને મલેરીયા રોગ થાય છે અને મલેરીયા રોગ ના કારણે છ લાખથી વધુ લોકોના દર વર્ષે મૃત્યુ થાય છે. જેમાં પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા વધુ છે

(સંદર્ભ: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-gujarat-malaria-day)

(ચિત્ર સંદર્ભ: www.frederickco.gov)

આજના આ દિવસ નિમિતે મારા કેટલાક પ્રશ્નો છે….

• આપણે જાણીએ છીએ કે મેલેરીયા મચ્છરોના કરડવાથી થાય છે તથા આ મચ્છર રાત્રે કરડે છે. શું આનાથી બચવા માટે આપણે કોઇ પગલા લઇએ છીએ?

• શું આપણે રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવાની કાળજી લઇએ છીએ, કે પછી અનેક તેવા બહાના બનાવીએ છીએ, જેવાકે… મચ્છરદાની તો પિંજરા જેવી લાગે… રોજ-રોજ કોણ બાંધે….. ગરમી થાય….. વગેરે..વગેરે.

• શું મેલેરીયા નાબુદી ફક્ત સરકારની કે આરોગ્યતંત્રની જ જવાબદારી છે?

• મચ્છરો ન થાય અથવા તો તેનો ઉપદ્રવ ઓછો થાય તે માટે આપણે કોઇ પહેલ કરી છે?

• મચ્છરોનો ફેલાવો વધારવામાં આપણો ફાળો કેટલો છે?

મિત્રો, હમણા બનેલો એક કિસ્સો આપને કહેવો છે. અમારા ઘરની સફાઇ માટે આવતા રમીલા બહેન (અત્રે નામ બદલવામાં આવ્યું છે)ની દિકરીને મેલેરીયા થયો. એકતો સામાન્ય પરિસ્થિતિ અને વધારામાં દવાખાનાનો ખર્ચો – થોડા પૈસાની જરૂર હતી તેથી મદદ લેવા માટે આવ્યા. જરૂરી મદદ કરવાની સાથે-સાથે મે તેઓને મારા ઘરમાં વધારાની પડેલી એક મચ્છરદાની ભેંટ આપી. પરંતુ તેમનો પ્રતિભાવ સાંભળી હું અવાક રહી ગયો. તેમણે કહ્યું કે “સાહેબ તમારે મચ્છરદાની જોઇએ તો મને કહો. અમને સરકાર દ્વારા અવાર – નવાર મચ્છરદાની આપવામાં આવી છે, અને એ પણ દવામાં બોળેલી. અમે તો આ બધી મચ્છરદાનીને ભેગી કરી અને ઓશિકા બનાવીએ છીએ, બાંધતા નથી. નવી-નકોર નેટ પડી છે મારા ઘરમાં” તેમના આ જવાબે મને વિચારતો કરી મૂક્યો.

મને લાગે છે કે સરકાર પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહી છે. દરેક બાબતમાં પંચાયત, નગરપાલિકા, કૉર્પોરેશન કે સરકારી વહિવટી તંત્રને દોષ દેવો ખૂબજ સહેલો છે. શું આપણી પણ કોઇ ફરજ નથી?

આપણા અને આપણા પરીવારના સ્વાસ્થ્ય માટે આપણે પહેલ ન કરવી જોઇએ … ? બદલાવનો પહેલો એકડો આપણે જ ઘુંટીએ તો..!! …અને તે ખૂબ જ સહેલો છે. કમસે કમ આપણે આટલું તો કરી જ શકીએ……

 હંમેશ સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ. અત્યારે મળતી મચ્છરદાની / નેટ એવી બનેલી અને ચાર ફૂટથી વધારે ઉંચી હોય છે કે તેમાં હવાની અવર-જવર સહેલાઇથી થઇ શકે છે, જેથી ગરમી થતી નથી. વળી, મચ્છરથી બચવા ઓઢવાની પણ જરૂર નહિ, “બોલે તો બિન્દાસ્ત હો કે સો જાઓ”. આખી રાત કેમીકલ યુક્ત – ખર્ચાળ વિવિધ ધુપ-ધુમાડા શ્વાસમાં લેવા કરતા આ વિકલ્પ કેટલો સહેલો..!

 બાળકોને મચ્છર ન કરડે તે માટે થોડી કાળજી રાખીએ. બાળકોને તો મચ્છરદાનીમાં જ સુવડાવીએ.

 જો વધારે મચ્છર આવતા હોય તો ઘરની બારીઓ ઉપર નેટ લગાવીએ. સાંજના સમયે મચ્છરોની ઘરમાં પ્રવેશવાની શક્યતા વધારે છે, આ સમયે વિશેષ કાળજી રાખીએ.

 ઘરમાં તથા ઘરની આસપાસ મચ્છરોની ઉત્પતી થઇ શકે તેવી જગ્યાને શક્ય હોય તેટલી સ્વચ્છ રાખીએ તથા દવાનો છંટકાવ કરીએ.

સ્વચ્છ ભારત મિશનમાં આટલું તો યોગદાન આપીજ શકાય કે… કમસે કમ આપણે તો ગંદકી ન જ ફેલાવીએ.

 આપણા બાળકોને અત્યારથી જ સ્વચ્છતાના પાઠો ભણાવીએ…. જેથી ભવિષ્યના સ્વચ્છ – સુંદર ભારતનું નિર્માણ શક્ય બને.

 તાવ કે મેલેરીયાના કોઇ પણ લક્ષણો જણાય તો બેકાળજી ન રાખતા તાત્કાલીક એમ.બી.બી.એસ. અથવા એમ.ડી. ડોક્ટરની સલાહ લઇએ.

….અને સૌથી અગત્યની વાત,

 આ તમામ બાબતો અન્ય પાંચ મિત્રો / સબંધીઓને પણ કહીએ અને બદલાવમાં ભાગીદાર બનીએ.

પરિવર્તન શક્ય છે…. બદલાવ શક્ય છે….. નાના નાના પ્રયત્નોથી આપણે જ લાવી શકીએ.

हर ‘मॉड’ विकासकी और…….!!!

આપના વિચારોને વહેંચવા તથા અન્ય મિત્રો સુધી આ સંદેશ પહોંચાડવા વિનંતી…..,

આપના પ્રતિભાવની રાહમાં,

હિમાચલ ભુટક

ડાયરેક્ટર – પ્રોગ્રામ્સ,

મૉડ ઇન્ડિયા

5 thoughts on “‘વિશ્વ મેલેરીયા દિવસ’ નિમિતે – એક વિચાર…એક પહેલ”

  1. ખરી વાત છે….. અમે હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરીએ છીએ….., હવેથી હું મારા ગ્રુપમાં પણ આ વાત કરીશ અને મેલેરીયા સામેની લડાઇમાં ‘મૉડ’ ને સહકાર આપીશ….

  2. Excellent article! We are linking to this particularly great post on our website. Keep up the good writing. Madlen Cristian Jimmy

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2016 MoDeIndia.co.in. All rights reserved.